આયુષ્માન ખુરાના સમાજિક મુદ્દાઓ પરની ફિલ્મમાં કામ કરીને હવે રિયલ લાઈફમાં પણ સામાજિક કાર્ય સાથે જોડાયો છે. આયુષ્માને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય તથા યુનિસેફ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ હેઠળ યૌન અપરાધ નિરોધક અધિનિયમ (પોક્સો) હેઠળ બાળ યૌન અપરાધો વિરુદ્ધ સંરક્ષણ તથા કાયદાકીય સહાયતા પ્રત્યે જાગૃતત્તા લાવવાનું અભિયાન ચલાવશે. આ કેમ્પેઈન હેઠળ આયુષ્માને એક વીડિયો પણ શૂટ કર્યો છે, જેમાં આ પ્રકારના ક્રૂર અપરાધો પ્રત્યે વધુ સતર્ક રહેવાની સાથે યોગ્ય ઓથોરિટી પાસે જઈને ફરિયાદ કરીને આ અપરાધ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.

આયુષ્માને કહ્યું હતું કે એક સામાજિક રીતે જાગૃત નાગરિક તરીકે તે મહત્ત્વપૂર્ણ તથા તત્કાલ ધ્યાન દોરતા મુદ્દા પર હંમેશાંથી ચર્ચા કરવા ઈચ્છે છે. બાળ યૌન અપરાધ અધિનિયમ (પોક્સો), બાળ યૌન શોષણની વિરુદ્ધ લોકોને સુરક્ષા તથા કાયદાકીય સહાયતા પ્રત્યે અવેર કરવાની જરૂર છે અને મંત્રાલયે આ પગલું ઉઠાવ્યું તે મહત્ત્વનું છે. બાળકો વિરુદ્ધ અપરાધ ક્રૂરતા છે. તે સરકાર તથા યુનિસેફ દ્વારા ભાવિ પેઢીની રક્ષા માટે ઉઠાવેલા આ પગલાંના વખાણ કરે છે. પોક્સો, હિંસક વ્યવહારથી બાળકોની રક્ષા અને બચાવ કરશે. આ અભિયાનનો ઉદ્દેશ સોશિયલ મીડિયા, ટીવી તથા સિનેમા હોલ દ્વારા તમામ ભારતીયો સુધી પહોંચાડવાનો છે અને આયુષ્માન તમામ રીતે આને સપોર્ટ કરશે.