અયોધ્યા મામલે 17 નવેમ્બર પહેલાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાને તેમના દરેક મંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ મામલે બિનજરૂરી નિવેદનો ન કરે. તેમણે એવું પણ કહ્યું છે કે, મંત્રીઓ તેમના સંસદીય વિસ્તારમાં જાય અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરે.
બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ નક્કી કર્યું છે કે, અયોધ્યા મામલે તેઓ પહેલાં લેફ્ટ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, સપા અને આરજેડી સહિત અન્ય પાર્ટીઓના સીનિયર નેતાઓ સાથે વાત કરશે. આ સિવાય સંઘ મુસ્લિમ સાંસદો-ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરશે. 5 નવેમ્બરે સંઘ અને ભાજપના નેતાઓએ ઘણાં મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી
આરએસએસના સીનિયર નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું, અયોધ્યાનો 400-500 વર્ષ જૂના વિવાદનો ઉકેલ હવે થોડા જ દિવસોમાં આવી જવાનો છે. જે પણ નિર્ણય આવશે તે ન કોઈની જીત હશે ન કોઈની હાર હશે. આ નિર્ણયને ધર્મ સાથે જોડીને પણ ન જોવો જોઈએ.
મોદીએ 27 ઓક્ટોબરે રેડિયોમાં કરેલા કાર્યક્રમ મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અયોધ્યા મામલે 2010માં તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ અલાહાબાદ કોર્ટનો નિર્ણય આવ્યા પછી દેશનો મુડ બદલાયો હતો. સ્થિતિ સામાન્ય કરવામાં રાજકીય દળ, સામાજિક સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.