અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળાની મુલાકાતે પહોંચ્યા છે. એક તરફ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મેલેનિયા દિલ્હીની શાળાની મુલાકાતે આવ્યા છે. શાળામાં તેમણે શાળાના બાળકો સાથે મુલાકાત કરી અને હેપ્પીનેસ ક્લાસમાં હાજરી આપી.

જ્યાં શાળાના ઉત્સાહિત બાળકોએ મેલેનિયાના ગળામાં હાર પહેરાવીને પારંપારિક રીતે ચાંલ્લો કરીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. તેઓ દિલ્હીના નાનકપુરામાં આવેલી સર્વોદય વિદ્યાલયમાં પહોંચ્યા છે. સરકારી શાળાની મુલાકાતના કાર્યક્રમમાં મેલેનિયા ટ્રમ્પ એકલા જ પહોંચ્યા છે. તેમણે અહીં જોયું કે કેજરીવાલ સરકારના આ હેપ્પીનેસ ક્લાસ કેવી રીતે બાળકોને ટેન્શન ફ્રી રાખીને અભ્યાસને રસપ્રદ બનાવીને તેમની સામે રજૂ કરે છે.

દિલ્હીની સરકારી શાળાઓમાં દરરોજ 45 મિનિટનો હેપ્પીનેસ ક્લાસ હોય છે. જેમાં નર્સરીથી માંડીને આઠમા ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય છે. ક્લાસની શરૂઆતમાં બાશકોને મેડીટેશન કરાવવામાં આવે છે. જેમાં કોઈ ધાર્મિક કાર્યકરવાનું નથી હોતું પરંતુ બાળકોને ફક્ત પોતાના શ્વાસોશ્વાસ પર જ ધ્યાન રાખવાનું હોય છે. આ એક જૂની પદ્ધતિ છે.