વિરાટ કોહલીએ 43મી વન-ડે સદી કરવાની સાથે જ એક દાયકામાં 20,000 રન કરવાનો વિશિષ્ઠ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનારો તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ભારતીય ટીમે વરસાદના કારણે ટુંકાવાઈને 35 ઓવર્સની બની ગયેલી ત્રીજી વન-ડેમાં કેરેબિયન ટીમને 6 વિકેટે હરાવી હતી. કોહલીને ‘મેન ઓફ ધ મેચ’ અને શ્રેણીમાં સતત બે સદી બદલ ‘મેન ઓફ ધ સિરીઝ’નો પણ એવોર્ડ એનાયત કરાયો હતો. આ શ્રેણીમાં તેણે 120 અને 114 એમ બે સદી કરીને નવા રેકોર્ડ સર્જ્યા હતા.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ટેસ્ટ, વન-ડે તથા ટી-20 ઈન્ટરનેશનલ) આ દાયકાના (2010થી 2019માં અત્યાર સુધી) પોતાના 20,000 રન પુરા કર્યા છે. આ રીતે, એક દાયકામાં 20,000 કે તેથી વધુ રન બનાવનારો તે વિશ્વનો પ્રથમ ખેલાડી છે.
વિરાટ કોહલી 2010ના દાયકામાં અત્યાર સુધી કુલ 371 મેચ રમી ચૂક્યો છે અને તેણે 57.03ની સરેરાશથી 20,018 રન કર્યા છે. તેમાં 67 સેન્ચુરીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી એક દાયકામાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના નામે હતો, જેણે 2000ના દાયકામાં 18,962 રન કર્યા હતા.