Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું વિઝડન ક્રિકેટ અલમાનેકે દાયકાના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાંના એક તરીકે પસંદ કરી વિશિષ્ટ રીતે બહુમાન કર્યું છે. તેના ઉપરાંત બીજા ચારમાં દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન, એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મહિલા ક્રિકેટની ઓલરાઉન્ડર એલિસ પેરીનો યાદીમાં સમાવેશ કરાયો છે.
કોહલીએ વિતેલા દાયકામાં બીજા કોઈપણ બેટ્સમેન કરતાં 5775 વધુ રન કર્યા છે અને આ રીતે, તે દાયકાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. કોહલીને દાયકાની વિઝડન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે, તો વન-ડે ટીમમાં તેને સ્થાન અપાયું છે. વિઝડને લખ્યું છે, ‘તે પ્રતિભાશાળી છે.’ ઈંગ્લેન્ડના 2014ના પ્રવાસના અંતથી લઈને બંગલાદેશ સામે નવેમ્બરમાં કોલકત્તા ટેસ્ટ સુધીમાં તેણે 63 રનની સરેરાશથી રન કર્યા છે અને તેમાં 21 સદી પણ કરી છે.
ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 50 રનની એવરેજ ધરાવતો કોહલી એકમાત્ર બેટ્સમેન છે. સ્ટીવ સ્મિથે પણ તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે કોહલી જેવું કોઈ નથી. કોહલીએ છેલ્લા એક દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી સાથે 7202 રન કર્યા હતા. વન-ડે ઈન્ટરનેશનલ્સમાં તેણે 11125 અને ટી-20માં 2633 રન કર્યા હતા. તેના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 70 સદી છે અને ફક્ત તેંડુલકર (100) અને રીકી પોન્ટિંગ (71) તેનાથી આગળ છે.