વોડા-આઈડિયાએ સપ્ટેમ્બર-19ના અંતે પુરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે આવકમાં 42 ટકા વૃદ્ધિ સાથે રૂ. 11146.4 કરોડ નોંધાવી હોવા છતાં રૂ. 50,921 કરોડની જંગી ખોટ નોંધાવી છે. ગત વર્ષે પણ આટલાં જ ગાળામાં કંપનીની ખોટ રૂ. 4874 કરોડની રહી હતી. બીજી તરફ ભારતી એરટેલને પણ રૂ. 23045 કરોડની ખોટ થઇ છે. કંપનીની કુલ આવકો 4.7 ટકા વધી રૂ. 21,199 કરોડ (રૂ. 20,229 કરોડ) થઈ છે. એરટેલે રૂ. 28,450 કરોડ લાયસન્સ ફી પેટે ચૂકવ્યા હોવાથી ખોટ વધી હોવાનુ જણાવ્યુ છે.પરિણામોને પગલે વોડા-આઈડિયા શેર 20 ટકા તૂટી રૂ. 2.95ની ઓલટાઈમ લો સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે એરટેલનો શેર 1.59 ટકા ઘટી રૂ. 362.65 પર બંધ રહ્યો હતો. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા એક વર્ષથી પ્રાઈસ વોરને લીધે નાણાકીય કટોકટી અનુભવી રહી છે. એટલું જ નહીં, રિલાયન્સ જિયોના આગમનથી વોડા-આઈડિયા, ભારતી એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધૂરામાં સુપ્રિમની આકરી નીતિના કારણે પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. વોડા-આઈડિયાને સુપ્રિમ કોર્ટે 40,000 કરોડની સ્પેક્ટ્રમ ફી અને દંડની રકમ ભરવા આદેશ કર્યો છે.