કોરોના વાઈરસને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને હળવા કરી દુનિયાના વિવિધ દેશો સાવચેતીપૂર્વક તેમના વેપારધંધા અને ટુરિઝમ ફરી શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અમીરાત એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે ૨૧ મેથી લંડન અને ફ્રેન્કફર્ટ સહિત નવ ગંતવ્યસ્થાનો માટે મર્યાદિત પેસેન્જર ફલાઇટ ફરી શરૂ કરશે. જર્મની અને ઓસ્ટ્રીયાના ચાન્સેલર્સ અનુક્રમે એન્જેલા મર્કેલ અને સેબાસ્ટિયન કુર્ઝ બંને દેશો વચ્ચે મુક્ત અવરજવર કરવા બાબતે સંમત થયા તેના એક દિવસ પછી બુધવારે સવારે ઓસ્ટ્રિયા અને જર્મન વચ્ચે આવેલાં ત્રણ ચેકપોઇન્ટને અવરજવર માટે ખોલી નાંખવામાં આવ્યા હતા.
વિશ્વના વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓએ પત્ર લખી કોરોનાની રસી પેટન્ટ મુક્ત હોવી જોઇએ અને તે બધાને મફત મળે તેવી માગણી કરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસા અને પાકિસ્તાનના પ્રમુખ ઇમરાનખાન સહિત ૧૪૦ નેતાઓએ આ પત્ર પર સહી કરી છે. જેમાં વિજ્ઞાાનનો લાભ તમામ દેશો વચ્ચે વહેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.
યુરોપના અન્ય દેશો જેમ કે ઈસ્ટોનિયા, લેટિવિયા અને લિથુઆનિયાએ ચોક્કસ દેશોમાં અવરજવર માટે પરવાનગી આપી ટ્રાવેલ બબલ નામનો પ્રયોગ શરૂ કર્યો છે. કોરોનાના કેસ જ્યાં પ્રમાણમાં ઓછા નોંધાયા છે તે ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડના નેતાઓ બંને દેશો વચ્ચે પ્રવાસ કરવાની પરવાનગી આપવા માટે સંમત થયા છે. યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે યુરોપિયન સંઘના દેશો વચ્ચે પ્રવાસ કરવા પરના નિયંત્રણો હળવા બનાવવા જોઇએ જેથી યુરોપિયન સંઘના તમામ ૨૭ દેશો વચ્ચે અગાઉની જેમ મુક્ત રીતે અવરજવર કરવાની દિશામાં આગળ વધી શકાય.