Getty Images)

ચીનમાં કોરોના વાઇરસના સેકન્ડ વૅવથી સરકારની ઊંઘ ઊડી ગઇ છે. કોરોના સંક્રમણના સતત આવી રહેલા કેસોને ધ્યાનમાં લેતાં તંત્રએ ઘણાં કડક પગલાં લીધાં છે. બેઇજિંગથી 150 કિ.મી. દૂર હેબેઇ પ્રાંતમાં વુહાન જેવી કડકાઇ કરાઇ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લૉકડાઉન એનશિનમાં લાગુ કરાયું છે, જેનાથી અંદાજે 5 લાખ લોકોને અસર થશે.

છેલ્લા 24 કલાકમાં બેઇજિંગમાં કોરોનાના નવા 14 દર્દી મળ્યા છે. જૂનના મધ્ય ભાગથી એક ફૂડ માર્કેટના કારણે દર્દીઓ વધીને 311 થઇ ગયા છે.એનશિનની ઘેરાબંધી બાદ તંત્રએ કહ્યું કે અહીં ઘરની બહાર નીકળવા પર પણ નિયંત્રણ હશે. ઘરનો સામાન લાવવા દિવસ દરમિયાન માત્ર 1 જ વ્યક્તિ 1 જ વખત બહાર નીકળી શકશે. ક્યાંય બહારની કોઇ પણ વ્યક્તિને પ્રવેશની મંજૂરી નહીં હોય.

નવા કેસોમાંથી ત્રીજા ભાગના કેસ માર્કેટના બીફ અને મટન સેક્શન સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. ત્યાં કામ કરતા લોકોને 1 મહિના માટે ક્વોરેન્ટાઇન કરાયા છે. એનશિન કાઉન્ટીમાંથી શિંફદી બજારમાં તાજા પાણીની માછલીઓ સપ્લાય કરાય છે. બીજી તરફ બેઇજિંગમાં સ્કૂલો ફરી બંધ કરી દેવાઇ છે. ઘણા સ્થળે લૉકડાઉન છે. બેઇજિંગમાંથી બહાર જતી વ્યક્તિએ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. સરકારી આંકડા મુજબ ચીનમાં 83,512 લોકો સંક્રમિત છે.

અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. લોસ એન્જેલ્સ કાઉન્ટીમાં પોઝિટિવ દર્દી વધવાનો દર 9% થઇ ચૂક્યો છે, જે 2 વીક અગાઉ 5.8% હતો. ટેક્સાસમાં આ દર 13% છે. 2 વીક અગાઉ તે 7% હતો. એરિઝોનામાં મે મહિના બાદ કેસો ઝડપથી વધ્યા છે. સરેરાશ દર 20% રહ્યો છે. જોન થોમસ હોપકિન્સ બ્લૂમબર્ગ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના જણાવ્યાનુસાર છેલ્લાં 2 વીકમાં કોરોનાના કેસોમાં 65%નો વધારો થયો છે.

રાજ્યોએ અનલૉકના પ્રથમ તબક્કામાં રેસ્ટોરન્ટ, બાર અને પબ ખોલવાની છૂટ આપી હતી, જે સંક્રમણ વધવાનું મોટું કારણ છે. ઘણાં રાજ્યોના અધિકારીઓએ આ અંગે ચેતવણી આપી છે. મિશિગનની હાર્પર રેસ્ટોરન્ટ અને ઇસ્ટ લેન્સિંગની બ્રુઅપમાં 70થી વધુ લોકો સંક્રમિત થયા છે. અલાસ્કાની રેસ્ટોરન્ટમાંથી પોઝિટિવ કેસો મળ્યા બાદ સંખ્યાબંધ લોકોના ટેસ્ટ કરાયા છે. કેન્સાસમાં એક સલૂન અને બારમાંથી કોરોના ફેલાયો છે.

દર્દીઓ વધતાં કેલિફોર્નિયાની 8 કાઉન્ટીમાં વેપાર-ધંધા પર રોક લગાવી દેવાઇ છે જ્યારે 7 કાઉન્ટીમાં અનલૉક અટકાવી દેવાયું છે. ટેક્સાસમાં પણ બાર-રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા છે. ફ્લોરિડામાં મોટી સંખ્યામાં યુવાનો કોરોનાની ઝપટમાં આવતાં બીચ બંધ કરાયા છે. હવે રાજ્યોના વહીવટીતંત્રને ફ્રીડમ ડે વીકેન્ડની છે. 4 જુલાઇએ અમેરિકી સ્વાધિનતા દિવસની ઉજવણી થાય છે, જે પ્રસંગે લોકોને રોકવા મોટો પડકાર હશે.

કોરોનાથી વિશ્વના બધા દેશો પરેશાન છે પણ સમૃદ્ધ દેશોની વાત કરીએ તો સૌથી વધુ અસર અમેરિકા પર થઇ છે. અન્ય દેશોમાં અનલૉક બાદ દર્દીઓમાં નજીવો વધારો થયો છે પણ અમેરિકામાં તેવું નથી. ટ્રમ્પે તથા ઘણાં રાજ્યોના ગવર્નરોએ ચેતવણીને ગંભીરતાથી ન લીધી. તેથી સંક્રમિતો 26 લાખથી પણ વધી ચૂક્યા છે.