લેસ્ટરના મલ્ટિ-મિલિયન પાઉન્ડના મની લોન્ડરિંગ કેસમા દોષિત ઠરેલા બેલગ્રેવ સ્થિત ઋશી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ડાયરેક્ટર અને ભારતીય બ્રિટિશર યોગેન્દ્રસિંહ ચૌહાણને ગયા સપ્તાહે (28 નવેમ્બર) આઠ વર્ષની જેલની સજા કરાઈ હતી. ચૌહાણને આઠ વર્ષ માટે કોઈપણ કંપનીના ડાયરેક્ટર પદ માટે પણ ગેરલાયક ઠરાવાયા હતા. તેમની કંપની ગુનાહિત નાણાં વિદેશ ટ્રાન્સફર કરતી હોવાનું તપાસમાં જણાયું હતું.
ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઑપરેશન્સ યુનિટની પ્રાદેશિક એસેટ રીકવરી ટીમે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતુ કે લેસ્ટરની કેનન સ્ટ્રીટ ખાતેથી £11 મિલિયનથી વધુ રકમનો કારોબાર થયો હતો. કેટલાક નાણાં કાયદેસર ટ્રાન્સફર થયા હતા પણ લાખો પાઉન્ડ ગેરકાયદે વિવિધ બેંક ખાતાઓ અને કંપનીઓ દ્વારા વિદેશમાં મોકલાયા હતા. આ નાણાં કયાંથી આવ્યા તે જાણી શકાયું નથી.
પોલીસની કામગીરીમાં મોટી માત્રામાં રોકડ રકમ અને અસંખ્ય ખોટા દસ્તાવેજો મળ્યા હતા, જેણે સાબિત કર્યું હતું કે મની લોન્ડરિંગ કરાયું હતું. લેસ્ટરના બેલ્બીના લિચફિલ્ડ ડ્રાઇવ ખાતે રહેતા બે બાળકોના પિતા યોગેન્દ્રસિંહે સંડોવણીનો ઇનકાર કર્યો હતો પરંતુ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સાત અઠવાડિયાની સુનાવણી બાદ તેને ગયા મહિને 2011 અને 2016 દરમિયાન ગુનાહિત સંપત્તિ ટ્રાન્સફર કરવાના કાવતરા બદલ દોષિત ઠરાવાયો હતો.
તેને સજા ફરમાવતા ન્યાયાધીશ રોબર્ટ બ્રાઉને કહ્યું હતુ કે “તમે ગુજરાત, ભારતમાં જન્મ્યા હતા અને ડિગ્રી કક્ષાનું શિક્ષણ મેળવ્યુ હતુ. તમારી પાસે સાયન્સની ડિગ્રી છે. તમે પાંચ ભાષાઓ બોલો છો અને મને સંતોષ છે કે તમે બુદ્ધિશાળી માણસ છો.’’ 1993માં પત્ની સાથે કેન્યા ગયા પછી તેઓ 2001માં યુકે આવ્યા હતા અને 2010માં પોલિટિકલ એસાયલમ મળ્યું હતું. તેણે ટૂંક સમયમાં વેમ્બલીમાં પણ આ ધંધા માટે કામ કર્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે તેની રૂશી ઇન્વેસ્ટમેન્ટે કાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા બ્યુરોનો ઉપયોગ કર્યો હતો પણ કંપનીઓને ગેરમાર્ગે દોરી નાણાં વિદેશમાં ભારત અને હોંગકોંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વિદેશમાં કરવામાં આવેલા વ્યવહારોના કેટલાક ઇન્વૉઇસીસ પણ ખોટા હોવાનું જણાયું હતું. યોગેન્દ્રસિંહના વ્યક્તિગત બેંક ખાતાઓમાંથી પણ મોટી માત્રામાં રોકડ રકમ પસાર થઈ હતી જે એચએમઆરસી સમક્ષ જાહેર કરવામાં આવી નહોતી કે તેના હિસાબો મળતા નહોતા.
ડિટેક્ટીવ કોન્સ્ટેબલ ગ્રાન્ટ બેઈલીએ કહ્યું હતુ કે “હવે અમે ગુનો કરીને મેળવેલો નફો પણ  પાછો લેવાના આશય સાથે જપ્તીની કાર્યવાહી કરીશું.’’
મિશેલ હેલી ક્યૂસીએ સુનાવણીમાં જણાવ્યું હતું: ‘યોગેન્દ્રસિંહે મોખરાની ભૂમિકા ભજવી હતી અને દબાણ અથવા પ્રભાવ દ્વારા અન્ય લોકો સાથે સંડોવણી કરી હતી. આ “સોફિસ્ટિકેટેડ ઑપરેશન”માં £25,000ની રોકડ એકત્રિત કરવા માટે અઠવાડિયામાં ત્રણ વાર પાસે પોસ્ટ ઑફિસની વાન બોલાવવામાં આવતી હતી.
કોર્ટમાં સુનાવણીમાં જણાવાયું હતું કે £8 મિલિયન અને £80 મિલિયનની રકમના બે અલગ મની લોન્ડરીંગ કૌભાંડમાં લંડનના વેમ્બલીના અપરાધીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ચૌહાણ તે શખ્સો પાસેથી મની લોન્ડરિંગ ઓપરેશન કેવી રીતે ચલાવવું તે શિખ્યા હતા અને 2011માં રૂશી ઇન્વેસ્ટમેંટની શરૂઆત કરી હતી. કોર્ટે જોકે તેના કર્મચારીઓ અને તેની પત્નીને મની લોન્ડરિંગ કાવતરામાં નિર્દોષ જાહેર કર્યા હતા.