ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે કે 2017માં યો-યો ટેસ્ટ પાસ કર્યા છતાં પણ મને ટીમમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. વર્લ્ડ કપ 2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ યુવરાજને બે વર્ષ પહેલા વિન્ડીઝ પ્રવાસ પછી ટીમની બહાર કરવામાં આવ્યો હતો. તેણે આ વર્ષે 10 જૂનના રોજ નિવૃત્તિ જાહેર કરી હતી.

યુવરાજે એક ચેનલને કહ્યું કે, ક્યારેય વિચાર્યું ન હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી રમાયેલી 8-9 મેચમાં બે વાર મેન ઓફ ધ મેચ બન્યા હતા મને ટીમની બહાર કરવામાં આવશે. યુવરાજે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 30 જૂન 2017ના રોજ વિન્ડીઝ વિરુદ્ધ રમી હતી. યુવરાજે કહ્યું કે, હું ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી મને શ્રીલંકા સામેની સીરિઝ માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે અચાનકથી યો-યો ટેસ્ટ આવી ગઈ હતી.

તે મારા ચયનમાં એક યુટર્ન હતો. મારે પાછું જઈને 36 વર્ષની વયે ટેસ્ટની તૈયારી કરવી પડી હતી. યો-યો ટેસ્ટ પાસ કર્યા પછી મને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું હતું. તેમને લાગ્યું હતું કે મારાથી ટેસ્ટ પાસ નહીં થાય. યુવરાજે કહ્યું કે, ક્યારેય કહેવામાં ન આવ્યું હતું કે મને બહાર કરવામાં આવશે. જે રીતે આવું કરવામાં આવ્યું, તેનાથી મને દુઃખ થયું હતું.

જે ખેલાડી 15-17 વર્ષથી ક્રિકેટ રમ્યો હોય તમારે તેની સાથે બેસીને આ અંગે વાત કરવી જોઈએ. વિરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાનને પણ કહેવામાં આવ્યું ન હતું. કોઈ પણ ખેલાડીને સત્ય જાણવાનો હક છે. ભારતીય ક્રિકેટમાં આવું જ થતું આવ્યું છે. યુવરાજે 304 વનડેમાં 8701 રન અને 58 ટી-20માં 1177 રન બનાવ્યા છે. તેણે જાન્યુઆરી 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કટકમાં 127 બોલમાં 150 રન કર્યા હતા.

તે પછી તેની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી થઇ હતી. તેણે તે ટૂર્નામેન્ટની ચાર ઇનિંગ્સમાં 35ની એવરેજથી 105 રન કર્યા હતા. ટીમના ખેલાડીઓ માટે યો-યો ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. તે માટે 20 મીટરના અંતરે બે લાઈનો બનાવવામાં આવે છે. જે ખેલાડીની ટેસ્ટ હોય તેને આ લાઈનો વચ્ચે દોડવાનું હોય છે.

જેવું બીપ વાગે તેને ફરવાનું હોય છે. દર મિનિટે બીપ વાગવાનો સમય વધે છે. જો તમે ત્યાર સુધીમાં લાઈને ન પહોંચો તો બીપ વધુ જલ્દી વાગવા લાગે છે. બીસીસીઆઈ અનુસાર દરેક ખેલાડીએ ઓછામાં ઓછા 19.5 પોઈન્ટ્સ મેળવવા જરૂરી છે.